ગ્રીન કાર્ડ ધારક સિનિયર સિટિઝનો પર અમેરિકામાં ઇમિગ્રેશનની તવાઈ

ગ્રીન કાર્ડ ધારક સિનિયર સિટિઝનો પર અમેરિકામાં ઇમિગ્રેશનની તવાઈ

ગ્રીન કાર્ડ ધારક સિનિયર સિટિઝનો પર અમેરિકામાં ઇમિગ્રેશનની તવાઈ

Blog Article

અમેરિકામાં ગ્રીન કાર્ડ પર રહેતાં ભારતીયો સહિતના કાયમી રહેવાસીઓ ઉપર પણ ટ્રમ્પ વહીવટીતંત્ર તવાઈ બોલાવી રહ્યું હોય તેમ એરપોર્ટ પર તેમને સેકન્ડરી ઈન્સ્પેક્શન માટે રોકવામાં આવી રહ્યા છે તેમજ ઘણા કેસમાં તેમને આખી રાત ડીટેન્શનમાં પણ રખાય છે. યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) અધિકારીઓની આવી કાર્યવાહીને પગલે અમેરિકામાં પ્રેક્ટિસ કરતાં ઈમિગ્રેશન એટર્ની સમક્ષ પણ આ પ્રકારના કેસોની સંખ્યામાં વધારો થયો છે.


કેટલાંક ગ્રીનકાર્ડ હોલ્ડર્સ ઉપર સ્વૈચ્છિક રીતે ગ્રીન કાર્ડ સરેન્ડર કરવાનું દબાણ કરવામાં આવે છે. આવી હેરાનગતિનો ભોગ ખાસ કરીને અમેરિકામાં પોતાના સંતાનો સાથે રહેતાં સિનિયર સિટીઝન ભારતીયો બની રહ્યાં છે, જેઓ શિયાળામાં ભારતમાં રહે છે અને ઉનાળો શરૂ થતાં અમેરિકા જતાં રહે છે.


આ ઉપરાંત ભારતમાં પોતાનો મોટો બિઝનેસ કે ખેતીની જમીન ધરાવતા લોકો પણ અમેરિકાનું ગ્રીન કાર્ડ ચાલુ રાખતા હોય છે, પરંતુ ત્યાંની સિટીઝનશિપ લેવાનું ટાળતા હોય છે. ટ્રમ્પ એવા લોકોના જ ગ્રીન કાર્ડ ચાલુ રાખવા માગે છે કે જેઓ અમેરિકાના અર્થતંત્રમાં યોગદાન આપતા હોય, જેના કારણે ગ્રીન કાર્ડનો ઉપયોગ માત્ર અમેરિકા આવવા-જવા માટે જ કરતા હોય તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને એરપોર્ટ પર જ તેમને અટકાવાઈ રહ્યા છે.


આવા કિસ્સામાં ઇમિગ્રેશન એટર્ની સ્પષ્ટ સલાહ આપે છે કે કોઈપણ સ્થિતિમાં ગ્રીન કાર્ડ સરેન્ડર કરી દેવાનો વ્યક્તિએ સ્પષ્ટ ઈનકાર કરવો જોઇએ. અમેરિકાના ઈમિગ્રેશન કાયદા અનુસાર ગ્રીનકાર્ડ હોલ્ડરને કોર્ટમાં જવાનો હક્ક મળે છે અને ઈમિગ્રેશન જજના આદેશ વગર કાર્યવાહી નથી કરી શકાતી.


ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (INA) હેઠળ કોઇ કાયદેસરની કાયમી નિવાસી (LPR) વ્યક્તિ ઉર્ફે ગ્રીન કાર્ડ ધારક સતત 180 દિવસથી વધુ સમય માટે અમેરિકાથી બહાર રહ્યા હોય તો તેમને ‘ફરીથી પ્રવેશ’ માંગનાર માનવામાં આવે છે અને આવા ફરીથી પ્રવેશ અસ્વીકાર્યતાને આધીન હોય છે.


બીજી તરફ વ્યક્તિ એક વર્ષથી વધુ સમય (૩૬૫ દિવસ) માટે અમેરિકાની બહાર રહે તો જ  ગ્રીન કાર્ડ સ્ટેટસનો ત્યાગનો મુદ્દો સામાન્ય રીતે ઉદભવે છે.


ફ્લોરિડા સ્થિતિ ઈમિગ્રેશન એટર્ની અશ્વિન શર્માએ જણાવ્યું હતું કે તેમની પાસે તાજેતરમાં એવા કેટલાંક કેસ આવ્યા છે જેમાં CBPએ વૃદ્ધ ભારતીય ગ્રીન કાર્ડ ધારકોને, ખાસ કરીને દાદા-દાદી કે જેમણે અમેરિકાની બહાર થોડો વધુ સમય વિતાવ્યો હોય, તેમને નિશાન બનાવ્યા છે. તેમને સ્વૈચ્છિક રીતે પોતાનું ગ્રીન કાર્ડ સરેન્ડર કરી દેવા માટે ફોર્મ I-407 પર સાઈન કરવા માટે દબાણ કરાયું હતું. જોકે આ ઈન્ડિયન કપલે તેના માટે સ્પષ્ટ ઈનકાર કરી દેતાં તેમને ડીટેન્શનમાં રાખવા ઉપરાંત ડિપોર્ટ કરી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. ટ્રમ્પના આવ્યા બાદ ઈમિગ્રેશન ઓફિસર્સ પોતે જ જજ, જ્યુરી અને પોલીસની જેમ વર્તી રહ્યાં છે.


ગ્રીનકાર્ડ સરેન્ડર નહીં કરવા પર ભાર મૂકીને સીએટલ સ્થિત ઇમિગ્રેશન એટર્ની કૃપા ઉપાધ્યાયે  જણાવ્યું હતું કે સામાન્ય રીતે પરમેનન્ટ રેસિડેન્ટ જાતે પોતાનું ગ્રીન કાર્ડ સરેન્ડર (ફોર્મ 1-407 પર હસ્તાક્ષર) ના કરે ત્યાં સુધી બોર્ડર પરના ઈમિગ્રેશન ઓફિસર તે કેન્સલ નથી કરી શકતા નથી. કોઈ ગ્રીન કાર્ડ હોલ્ડર એક વર્ષથી વધુ સમય અમેરિકાની બહાર રહ્યો હોય તો તેમણે પોતાની પરમેનન્ટ રેસિડેન્સી જતી કરી છે તેવું માની લેવામાં આવે છે. જોકે આવી સ્થિતિમાં પણ ગ્રીનકાર્ડ હોલ્ડર્સ કોર્ટમાં જઈ શકે છે. પરંતુ એરપોર્ટ પર સ્વૈચ્છિક રીતે ફોર્મ ભરી ગ્રીન કાર્ડ સરેન્ડર કરવામાં સાઇન કરે તો કોર્ટમાં જવાનો હક ગુમાવી દે છે.


NPZ લૉ ગ્રુપના મેનેજિંગ એટર્ની સ્નેહલ બત્રાએ જણાવ્યું હતું કે માત્ર ઈમિગ્રેશન જજ જ ગ્રીન કાર્ડ કેન્સલ કરી શકે, જેથી કોઈ વ્યક્તિએ આ પ્રકારના ફોર્મ પર સહી કરવી જોઇએ નહીં. જોકે કમનસીબે એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસ ગ્રીન કાર્ડ હોલ્ડરને અટકાવી તેમની કલાકો સુધી પૂછપરછ કરે ત્યારે તેઓ ખૂબ જ ડરી જતાં હોય છે અને ઘણીવાર ભાષાની સમસ્યાને કારણે સમજી શકતા નથી અને ફોર્મ પર હસ્તાક્ષર કરી દેતા હોય છે. આ આપણા વૃદ્ધ ગ્રીન કાર્ડ ધારકો માટે એક ખાસ સમસ્યા છે જેઓ શિયાળાના મહિનાઓ ભારતમાં વિતાવે છે અને કાયમી નિવાસી દરજ્જો જાળવી રાખવા માટે પૂરતા પુરાવા ધરાવતા નથી. આવી સ્થિતિમાં મિલકતની માલિકી, ટેક્સ રીટર્ન અને રોજગાર જેવા દસ્તાવેજો ઉપયોગી બની જાય છે.


તાજેતરમાં જ બનેલા સેકન્ડરી ઇન્સ્પેક્શનનો એક કેસને ટાંકીને  સ્નેહલ બત્રાએ જણાવ્યું હતું કે છ વર્ષથી ગ્રીન કાર્ડ ધરાવતા એક ભારતીયે ખાસ્સો સમય ભારતમાં જ વિતાવ્યો હોવાના કારણે તેમને CBPએ વોર્નિંગ આપી હતી કે જો તેઓ કાયમ માટે અમેરિકામાં રહેવા ના માગતા હોય તો તેમને પોતાનું ગ્રીન કાર્ડ સરેન્ડર કરાવી દેવું જોઈએ. આ વ્યક્તિ ક્યારેય છ મહિનાથી વધુ અમેરિકાની બહાર નહોતા રહ્યાં, પરંતુ તેમની ટ્રાવેલ હિસ્ટ્રી જોઈને CBPને અંદાજ આવી ગયો હતો કે તેઓ માત્ર પોતાનું ગ્રીન કાર્ડ ચાલુ રાખવા માટે અમેરિકા આવતા-જતા રહે છે.


ટેક્સાસના અર્લિંગ્ટન સ્થિત ઈમિગ્રેશન એટર્ની રાજીવ એસ ખન્નાએ જણાવ્યું હતું કે અમેરિકામાં ન રહેતા ગ્રીનકાર્ડ હોલ્ડર્સ માનતા હોય કે દરેક થોડા મહિનામાં અમેરિકાની વિઝિટ પુરતી છે. પરંતુ તે કાયદાની રીતે સાચું નથી. ગ્રીન કાર્ડ જાળવવા માટે યુ.એસ.માં કાયમી ઘર હોવું અને જાળવવું જરૂરી છે. આમાં કંઈપણ ઓછું હોય તો તે ‘ગ્રીન કાર્ડ રદ કરવા’ માટેનું કારણ બની શકે છે.


ઇમિગ્રેશન એટર્ની જેસી બ્લેસે જણાવ્યું હતું કે એક વર્ષથી વધુ સમયથી (ફરીથી પ્રવેશ પરવાનગી વિના) અમેરિકાની બહાર રહેતા કાયદેસરના કાયમી રહેવાસીઓને રીમુવલ કાર્યવાહીમાં હાજર રહેવાની નોટિસ મળી રહી છે.

ઇમિગ્રેશન લો ફર્મ સિસ્કિન સુસરના સહ-સ્થાપક ગ્રેગ સિસ્કિને ટ્રમ્પના પ્રથમ કાર્યકાળને યાદ કરીને જણાવ્યું હતું કે અગાઉના ટ્રમ્પ વહીવટ દરમિયાન એવા સ્કાય માર્શલ્સ હતાં, જેઓ વિમાનમાં લોકોને તેમના ગ્રીન કાર્ડ પરત કરવા માટે ફોર્મ આપતા હતાં.

Report this page